રાહત કમિશનર
રાહત કમિશનર અને સચિવ તરીકે સરકાર પક્ષે મહત્વના નિર્ણયો લેવા, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં અસરગ્રસ્ત લોકોને રાહતની રાજય સ્તરે દેખરેખ અને માર્ગદર્શન આપવા તથા હોદ્દાની રૂએ સચિવ, મહેસૂલ તરીકે રાહતની કામગીરીના નીતિ ઘડતરની પણ મહત્વની ભૂમિકા અદા કરે છે.
રાહત કમિશનરની નીતિ ઘડતર, નીતિનો અમલ, મહત્વના નિર્ણયો લેવા, બચાવ અને રાહતના કાર્યોમાં ચાવીરૂપ ભૂમિકા છે.
રાહત કમિશનર તરીકે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં અસરગ્રસ્ત લોકોને રાહતની રાજય સ્તરે દેખરેખ અને માર્ગદર્શન આપવા તથા રાહત બચાવ કાર્ય માટે મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સરકારને જોડતી કડીરૂપ ભૂમિકા ભજવે છે.
સત્તા અને કાર્યો
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૩ના પ્રકરણ-૮ની કલમ-૨૧ અને ૨૨ મુજબ
કોઈ વિસ્તાર, અસરગ્રસ્ત હોય તે મુદત દરમયાન, કમિશનર, આપત્તિ વ્યવસ્થાપન યોજના અનુસાર તાકીદની રાહત પૂરી પાડવા માટે, અસરગ્રસ્ત વિસ્તાર ઉપર હકૂમત ધરાવતા કલેક્ટર અને સ્થાનિક સત્તામંડળને આદેશો આપી શકશે.
- (ક) સમુદાયને સહાય કરવાના અને સંરક્ષણ આપવાના:-
- (ખ) સમુદાયને રાહત પૂરી પાડવાના:-
- (ગ) અવ્યવસ્થા અટકાવવાના અથવા તેને પહોંચી વળવાના, અથવા,
- (ઘ) આપત્તિની વિનાશક અને બીજી અસરોની તજવીજ કરવા માટે.
- ઉપલબ્ધ સંસાધનો છૂટા કરવા અને તેનો ઉપયોગ કરવા માટે ગોઠવણ કરી શકશે.
- અસરગ્રસ્ત વિસ્તાર તરફ જતાં અને તે તરફથી આવતાં અને તેની અંદરના વાહનોને નિયંત્રિત અથવા પ્રતિબધિત કરી શકશે.
- અસરગ્રસ્તના વિસ્તારમાં કોઈ વ્યક્તિનો પ્રવેશ, તેમાં તેની હિલચાલ અને તેમાંથી બહાર જવાને નિયંત્રિત કરવાના હેતુથી પ્રતિબંધિત કરી શકશે.
- કાટમાળ દૂર કરી શકશે.
- શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી શકશે.
- બિનવારસી મૃતદેહોના નિકાલ માટે ગોઠવણ કરી શકશે.
- વૈકલ્પિક આશ્રય પૂરો પાડી શકશે.
- ખોરાક, દવાઓ અને બીજી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી શકશે.
- આપત્તિ સાથે સંકળાયેલ ક્ષેત્રોની તજજ્ઞો અને સલાહકારોને, તેમની દોરવણી અને દેખરેખ હેઠળ રાહત કાર્ય કરાવવા ફરમાવી શકશે.
- જરૂર પડે તેમ અને ત્યારે સુવિધાઓનો ખાસ અથવા અગ્રતાક્રમ મુજબનો ઉપયોગ કરી શકશે.
- ઠરાવવામાં આવે તેવી બોલીઓ અને શરતોએ કોઈ મિલકત, વાહન, સાધનો, મકાનો અને સંદેશાવ્યવહારના સાધનોનો કબજો લઈ શકશે અને તેનો ઉપયોગ કરી શકશે.
- કામચલાઉ પૂલો અને બીજા જરૂરી માળખાં બાંધી શકશે.
- જાહેર જનતાને જોખમમાં મૂકે તેવા અસલામત માળખાં તોડી પાડી શકશે.
- બિનસરકારી સંગઠનો તેમની પ્રવૃત્તિઓ વાજબી રીતે ચલાવે તે સુનિશ્ચિત કરી શકશે.
- આપત્તિની તજવીજ કરવા અંગે અને તેનો સામનો કરવા અંગેની માહિતીનો જાહેર જનતામાં પ્રસાર કરી શકશે.
- જનમાલ બચાવવાના હેતુ માટે કોઈ અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ વસ્તીનું સ્થળાંતર કરાવી શકશે અને એવી રીતે વિસ્તાર ખાલી કરાવવા માટે જરૂરી હોય એવું બળ વાપરી શકશે. અને
- પોતે એમ જરૂરી ગણે કે જાનમાલ અને મિલકત બચાવવા માટે એવું પગલું જરૂરી છે અને કોઈ બારણાં, દરવાજા અથવા આડશનો માલિક અથવા ભાડુઆત ગેરહાજર છે અથવા હાજર હોવા છતાં તે ખોલવાનો ઈન્કાર કરે છે, તો એવા કોઈ સ્થળમાં પ્રવેશીને એવું કોઈ બારણું, દરવાજો અથવા આડશ ખોલવા અથવા ખોલાવવા કોઈ વ્યક્તિને અધિકૃત કરી શકશે.
કમિશનર, આપત્તિને ઝડપથી વધતી અટકાવવા અથવા આપત્તિની અસરોને હળવી કરવા, કાબુમાં રાખવા કોઇ વ્યક્તિને અથવા સરકારી એજન્સીને એવા આદેશ આપી શકશે અને જરૂરી હોય તેવા બીજા પગલાં લઈ શકશે.
કમિશનર, સામાન્ય રીતે રાહત પૂરી પાડવા માટે અને ખાસ કરીને પેટાકલમ (૧) થી (૩) હેઠળ તેના દ્વારા લેવાયેલ પગલાં અંગે સત્તામંડળને માહિતગાર રાખશે.
કલમ રર.(૧) મુજબ રાહત કમિશનરે,
- પૂર્વચેતવણી અને તૈયારીની સ્થિતિ જેવા આપત્તિ વ્યવસ્થાપનનાં જુદાં જુદાં પાસાંને લગતી માહિતી પૂરી પાડવી જોઈશે.
- દરેક જિલ્લાના આગવા સંજોગો અને સંસ્થાકિય ક્ષમતાની અછત અને રાજ્યના સંસાધનોને ધ્યાનમાં લઈને, સત્તામંડળ સાથે વિચાર વિનિમય કરીને યોગ્ય રાહત અમલીકરણ વ્યુહરચના વિકસાવવી જોઈશે.
- રાજ્ય સ્તરીય સંકટકાલીન યોજનાઓ અને માર્ગદર્શિકાઓ તૈયાર કરવી જોઈશે, તેની સમીક્ષા કરવી જોઈશે અને તેને અદ્યતન કરવી જોઈશે.
- આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓને લગતી આકસ્મિક યોજનાઓનું વખતોવખત પૂન:મૂલ્યાંકન કરવું જોઈશે.
- સમયાંતરે આપત્તિ વ્યવસ્થાપન કવાયતો કરાય છે તે સુનિશ્ચિત કરવું જોઈશે, અને
- સંદેશાવ્યવહાર તંત્ર કાર્યરત છે તે અને આકસ્મિક યોજનાઓમાં સ્થાનિક એજન્સીઓ પૂરતા પ્રમાણમાં સંકળાયેલ છે તે સુનિશ્ચિત કરવું જોઈશે.
- સત્તામંડળ સોંપેં તેવી સત્તા વાપરવી જોઇશે, અને તેવા કાર્યો બજાવવાં જોઈશે.
- વિનિયમોથી નિર્દિષ્ટ કરવામાં આવે તેવી બીજી સત્તા વાપરવી જોઈશે અને તેવા બીજાં કાર્યો બજાવવાં જોઈશે.